રાષ્ટ્રવાદી અને દેશભક્ત અલગ હોઈ શકે?

હાલમાં આપણે ગર્વભેર સ્વતંત્રતા દિવસ મનાવ્યો. ભારતીય હોવું એટલે શું તે દર્શાવવાનો શ્રેષ્ઠ દિવસ છે પંદરમી ઓગસ્ટ. છેલ્લા એક વરસમાં ભારત સહિત દુનિયાભરમાં રાષ્ટ્રવાદનો ઉદય જોવા મળ્યો છે. નવા પ્રકારનો રાષ્ટ્રવાદ ભારે ખાનાખરાબી સર્જી રહ્યો છે. નવો રાષ્ટ્રવાદ લોકોને વિદેશીઓ પ્રત્યે તિરસ્કાર કરવા પ્રેરે છે, રાષ્ટ્રવાદ બહારના લોકો માટે સરહદોને તાળાબંધ કરવા માગે છે, તે મુક્ત વેપારનો પણ વિરોધ કરે છે. રાષ્ટ્રવાદ છેલ્લા 70 વર્ષના ઈતિહાસમાં વિશ્વએ મેળવેલા ઉત્તમ વારસાની અસરને ભૂંસી નાખવા માગે છે. વારસાએ વિશ્વને વધુ સમૃદ્ધ અને શાંત બનાવ્યું હતું. ભારતની વાત કરીએ તો રાષ્ટ્રવાદ લોકોને ભારતીય હોવા પ્રત્યે સભાન બનાવવાના બદલે તેમને હિંદુ, મુસ્લિમ કે દલિત તરીકેની ઓળખને વળગી રહેવા પ્રેરે છે.

સામાન્ય વાતચીતમાં આપણે મોટેભાગે બે શબ્દોને લઈને ગેરસમજ કરીએ છીએ. શબ્દો છે રાષ્ટ્રવાદ અને દેશભક્તિ. આપણે શબ્દોનો બેફામપણે ઉપયોગ કરીએ છીએ અને ઘણી વખત અયોગ્ય રીતે. આપણે ભૂલી જઈએ છીએ કે બન્ને શબ્દો પરસ્પર વિરુદ્ધ વિચારો વ્યક્ત કરે છે. 21મી સદીમાં ભારતીય હોવું એટલે શું તે સમજવું હશે તો આપણે બન્ને શબ્દો વચ્ચેનો ભેદ પારખવો પડશે. દેશભક્ત પોતાના દેશને ચાહે છે. દેશે મેળવેલી સિદ્ધિઓ તથા તેના ઈતિહાસ માટે તેને ગર્વ છે પણ તે પોતાના વિચારો અન્ય લોકો પર થોપતો નથી. ‘રાષ્ટ્રવાદી’ પણ પોતાના દેશને ચાહે છે પણ તે સત્તા અને પ્રતિષ્ઠાથી દોરવાયેલો હોય છે. તે માને છે કે એનો દેશ અન્ય લોકોના દેશ કરતાં મહાન છે. તેથી તે અન્ય દેશો કરતાં વધારે શક્તિશાળી હોવો જોઈએ. રાષ્ટ્રવાદી પોતાના વિચારો, માન્યતાઓ અન્ય પર થોપવાનો પ્રયાસ કરે છે.

મારો જન્મ સ્વતંત્રતાના થોડા સમય પહેલાં થયો હતો. અમે જે હવામાં ઉછર્યા તે દેશભક્તિની હવા હતી. હિટલર, સ્ટાલિન અને માઓ જેવા સરમુખત્યારોના પડછાયા હેઠળ 1947માં ભારતનો જન્મ થયો. એવા આપખુદો હતા જેઓ રાષ્ટ્રવાદનો ઉપદેશ આપતા અને રાષ્ટ્રવાદના નામે લોકોને ઉશ્કેરતા. બીજી તરફ ભારતનું ઘડતર મહાત્મા ગાંધી જેવા સંતના હાથે થયું. તેમણે આપણને સાચી દેશભક્તિ શીખવી. તેઓ આપણને ભારતીય બનાવવા માગતા હતા-હિંદુ કે મુસ્લિમ નહીં. જર્મનીમાં હિટલર, રશિયામાં સ્ટાલિન અને ચીનમાં માઓના રાષ્ટ્રવાદે લાખો લોકોનો જીવ લીધો હતો, જ્યારે મહાત્મા ગાંધીની દેશભક્તિએ લોહી રેડ્યા વિના દેશને આઝાદી અપાવી.

છેલ્લા એક વર્ષમાં બન્ને શબ્દોને લઈને સર્જાયેલી ગેરસમજના કારણે વિશ્વને વ્યાપક નુકસાન થયું છે. બ્રિટનમાં રાષ્ટ્રવાદીઓએ દેશભક્તિના નામે લોકોને દોરીને દેશને યુરોપિયન યુનિયનમાંથી બહાર કઢાવ્યો. રીતે અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ તથા અન્ય ઉમેદવારોએ ચૂંટણી અભિયાન દરમ્યાન વિદેશીઓ સામે ઝેર ઓક્યું. ડોનાલ્ડ ટ્રમ્પે અન્ય દેશમાંથી આવતા વસાહતીઓ સામે પગલાં ભરવાનું અને ચીન જેવા દેશોમાંથી ચીજવસ્તુઓની આયાત રોકવાનું વચન આપ્યું. ટ્રમ્પનું માનવું છે કે ચીનમાંથી થતી આયાતોએ અમેરિકનોને બેકાર બનાવી દીધા છે.

ભારતમાં બે શબ્દોના લીધે થયેલી ગેરસમજના કારણે ફેબ્રુઆરીમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં કન્હૈયા કુમારનો વિવાદ સર્જાયો હતો. તેના કારણે દેશદ્રોહની ચર્ચામાં પરસ્પર કિચડ ઉછાળવામાં આવ્યો હતો. કન્હૈયા પોતાને દેશભક્ત માનતો હતો, પણ રાષ્ટ્રવાદીઓ તેને દેશદ્રોહી ઠેરવવા મરણિયા બન્યા હતા, ભારતમાં દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ બન્ને સફળ થવા માગતા હતા પણ દેશભક્ત બધા ભારતીયોને સફળ જોવા ઈચ્છે છે જેમાં લઘુમતિ પણ સામેલ છે. રાષ્ટ્રવાદીઓની ચિંતા માત્ર દેશની સત્તા પૂરતી છે અને સામાજિક ન્યાય સાથે તેમને કોઈ નિસ્બત નથી. રાષ્ટ્રવાદી બીજી બધી બાબતો કરતાં પોતાના દેશને ઉપર માને છે. અને તેને એવો ખ્યાલ છે કે મારો દેશ ક્યારેય ખોટો હોઈ શકે નહીં. જ્યારે દેશભક્ત પોતાના દેશને ચાહે છે પણ તેની નિષ્ફળતાઓ પ્રત્યે આંગળી પણ ચીંધે છે. તે સામાજિક ન્યાય અને સમાનતાના મુદ્દે પોતાના દેશની ટીકા પણ કરે છે. જ્યારે રાષ્ટ્રવાદી પોતાના દેશની ટીકાને જરાય સહન કરી શકતો નથી, કારણ કે તે પોતાના દેશને સર્વાંગસંપૂર્ણ માને છે.

સામાન્યપણે આપણે સૌ રાષ્ટ્રવાદને હકારાત્મક બાબત માનીએ છીએ, પણ વિશ્વના ઈતિહાસમાં તેણે અત્યંત વિધ્વંસક ભૂમિકા ભજવી છે. 19મી સદીમાં યુરોપિયન રાષ્ટ્રવાદે એશિયા તથા આફ્રિકા (ભારત સહિત)ના દેશોને ગુલામ બનાવ્યા હતા તથા દેશોને યુરોપના ખંડિયા બનાવી દીધા. 20મી સદીનો રાષ્ટ્રવાદ બે વિશ્વયુદ્ધોમાં પરિણમ્યો હતો. હિટલરનું જર્મની વરવા રાષ્ટ્રવાદનું સૌથી નાટકીય ઉદાહરણ છે. હિટલર 1939થી 1945 વચ્ચે લડાયેલા બીજા વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ હતો. તે વિશ્વવિજેતા બનવા માગતો હતો. હિટલર આર્ય કૂળની સર્વોપરિતામાં માનતો હતો. તેણે 90 લાખ યહુદીઓને ગેસ ચેમ્બરોમાં ભૂંજી દીધા હતા. કારણ કે તે એમને ઉતરતી કક્ષાના માનતો હતો.

ત્રીજી ઓગસ્ટે બુધવારની રાતે રાજ્યસભામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સનો ખરડો પસાર થયો ત્યારે ભારતના દેશભક્તો અને રાષ્ટ્રવાદીઓ બન્ને ખુશખુશાલ હતા. રાષ્ટ્રવાદીઓ ખુશ હતા કારણે કે તેમનું માનવું હતું કે જીસએટી તેમના દેશને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવશે. દેશભક્તો એટલા માટે રાજી હતા કારણ કે જીએસટી દેશના ગરીબમાં ગરીબ માણસને મદદરૂપ બનશે. રાષ્ટ્રવાદી ગર્વભેર દેશની મહાનતાના નારા પોકારે છે, જ્યારે દેશભક્ત પોતાના દેશની ક્ષમતા અને નબળાઈઓથી વાકેફ હોવાથી ખપ પૂરતું બોલવાનું પસંદ કરે છે. રાષ્ટ્રવાદી સતત પોતાને અસુરક્ષિત અનુભવે છે અને તેનામાં આત્મસન્માનની ભાવના ઓછી હોય છે. જ્યારે દેશભક્ત અંદરખાને નિરાંત અનુભવે છે. દરેક રાષ્ટ્રવાદી ભવ્ય ભૂતકાળનાં ગીત ગાય છે-એ ભૂતકાળ જ્યારે તેનો દેશ સ્વર્ગ સમાન હતો. અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ અને બ્રેક્ઝિટની તરફેણમાં મતદાન કરનાર બ્રિટનના રાષ્ટ્રવાદીઓ બન્નેને પોતાના દેશના ભૂતકાળ બદલ અભિમાન છે જેમાં તેમનો દેશ વિશ્વ પર વર્ચસ્વ ધરાવતો હતો. હિંદુ રાષ્ટ્રવાદીઓ પણ પૂર્ણ આર્ય ભૂતકાળના સપના સેવે છે અને પ્રાચીન ભારતની મહત્તા ફરી સ્થાપવા ઈતિહાસનું પુનરાવર્તન કરવા માગે છે. તેઓ મુસ્લિમ શાસકો પૂર્વેના ભારતને ફરી જોવા માગે છે. તેમના માટે ભારતનો ઈતિહાસ એટલે એવો યુગ જ્યારે હિંદુઓ દેશના મૂળ નિવાસીઓ હતા. તેઓ ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે. તમે ચોક્કસપણે ધાર્યું હશે કે હું દેશભક્ત છું. રાષ્ટ્રવાદી નથી. મને વાતને લઈને દુ:ખ છે કે બન્ને વચ્ચે કોઈ પ્રકારનો અર્થપૂર્ણ સંવાદ થતો નથી. કારણોસર આજે ઘણા લોકશાહી દેશોનું ધ્રુવીકરણ થઈ રહ્યું છે. હું મારા દેશની કુદરતી સંપત્તિ અને માનવસર્જિત સિદ્ધિઓ બદલ આનંદ અનુભવું છું. જ્યારે હું મારા દેશને ચાહુ છું ત્યારે હું અન્ય લોકોને કચડવાની વૃત્તિને ચાહતો નથી. મારું માનવું છે કે હું પ્રથમ એક માનવ છું અને પછી ભારતનો નાગરિક છું.

Post new comment

The content of this field is kept private and will not be shown publicly.
CAPTCHA
This is for testing whether you are a human visitor and to prevent automated spam submissions.
Image CAPTCHA
Enter the characters shown in the image.